૪૫. ત્યારબાદ અમે ઘણી પેઢીઓનું સર્જન કર્યું, જેમના પર લાંબો સમયગાળો પસાર થઇ ગયો અને ન તો તમે મદયનના લોકો માંથી હતાં કે તેમની સામે અમારી આયતોને પઢતા, પરંતુ અમે જ છે, જે તમને રસૂલ બનાવી, તે સમયની ખબર મોકલી રહ્યા છે.
૪૬. અને એવી જ રીતે તમે “તૂર” પાસે પણ ન હતાં, જ્યારે અમે (મૂસાને) પોકાર્યા હતા, પરંતુ આ તમારા પાલનહાર તરફથી એક કૃપા છે, (કે તેણે તમને સાચી ગેબની વાતો બતાવી) એટલા માટે કે તમે તે લોકોને સચેત કરી દો, જેમની પાસે તમારાથી પહેલા કોઈ સચેત કરનાર નથી આવ્યા, કદાચ કે તેઓ શિખામણ પ્રાપ્ત કરી લે.
૪૭. અને (તમને એટલા માટે પયગંબર બનાવી મોકલ્યા છે) કે ક્યાંક એવું ન થાય કે તેમણે પોતે કરેલા કરતુતોના કારણે કોઈ મુસીબત પહોંચે, તો એવું કહેવા લાગે કે હે અમારા પાલનહાર! તે અમારી તરફ કોઈ પયગંબર કેમ ન મોકલ્યા? કે અમે તારી આયતોનું અનુસરણ કરતા અને ઈમાનવાળાઓ માંથી થઇ જતા.
૪૮. પછી જ્યારે તેમની પાસે અમારા તરફથી સત્ય આવી ગયું તો કહેવા લાગ્યા કે આમને મૂસા જેવું કેમ આપવામાં ન આવ્યું? સારું, તો શું મૂસા ને જે કંઇ આપવામાં આવ્યું હતું તેનો ઇન્કાર લોકોએ નહતો કર્યો? સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ બન્ને જાદુગર છે, જે એકબીજાની મદદ કરનાર છે અને અમે તો આ બધાનો ઇન્કાર કરનારા છીએ.
૪૯. તમે તેમને કહી દો કે જો તમે સાચા હોવ તો તમે પણ અલ્લાહ પાસેથી કોઈ એવી કિતાબ લઇ આવો, જે તે બન્ને કરતા વધારે માર્ગદર્શન આપતી હોય, હું પણ તેનું જ અનુસરણ કરીશ.
૫૦. પછી જો આ લોકો તમારો કોઈ જવાબ ન આપે, તો તમે જાણી લો કે આ લોકો પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરી રહ્યા છે અને તેના કરતા વધારે પથભ્રષ્ટ કોણ હોઈ શકે છે, જેઓ અલ્લાહની હિદાયતને છોડીને પોતાની મનેચ્છાઓ પાછળ પડેલ છે? નિ:શંક અલ્લાહ તઆલા જાલિમ લોકોને સત્ય માર્ગદર્શન નથી આપતો.