૨૧૬. તમારા પર જિહાદ જરૂરી કરવામાં આવ્યું છે ભલેને તે તમને કઠણ લાગે, શક્ય છે કે તમે કોઇ વસ્તુને ખરાબ સમજો અને તે તમારા માટે સારી હોય અને આ પણ શક્ય છે કે તમે કોઇ વસ્તુને સારી સમજો પરંતુ તે તમારા માટે ખરાબ હોય, અને સત્યતા અલ્લાહ જ સારી રીતે જાણે છે, તમે જાણતા નથી.
૨૧૭. લોકો તમને પવિત્ર મહિનાઓમાં યુધ્ધ વિશે સવાલ કરે છે, તમે કહી દો કે પવિત્ર મહિનાઓમાં યુધ્ધ કરવું ખુબ જ મોટું પાપ છે, પરંતુ અલ્લાહના માર્ગથી રોકવું તેનો ઇન્કાર કરવો મસ્જિદે હરામથી રોકવું અને ત્યાંના રહેવાસીઓને ત્યાંથી કાઢવા અલ્લાહના નજીક તેનાથી પણ વધારે મોટું પાપ છે, અને ફિતના ફેલાવવાનો (ભ્રષ્ટાચાર) ગુનો કત્લ કરતા પણ મોટો છે, આ લોકો તમારી સાથે ઝઘડો કરતા જ રહેશે ત્યાં સુધી કે જો તેમનાથી શક્ય હોય તો તમને તમારા દીનથી ફેરવી નાખે, અને તમારા માંથી જે લોકો પોતાના દીનથી ફરી જાય અને તે કાફિરની સ્થિતીમાં મૃત્યુ પામે, તેમના દૂનિયા અને આખિરત બન્નેના દરેક કાર્યો વ્યર્થ થઇ જશે, આ લોકો જહન્નમી હશે અને હંમેશા હંમેશ જહન્નમમાં જ રહેશે.
૨૧૮. (તેના વિરુદ્ધ) જેઓ ઇમાન લાવ્યા અને જેઓએ હિજરત કરી અને અલ્લાહના માર્ગમાં જિહાદ કર્યું, તો આ લોકો જ અલ્લાહની કૃપાના હકદાર છે, અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર અને અત્યંત દયાળુ છે.
૨૧૯. લોકો તમને શરાબ અને જુગાર વિશે પુછે છે, તમે કહી દો કે આ બન્ને કાર્યોમાં મોટો ગુનોહ છે, અને લોકોને તેનાથી દૂનિયાનો ફાયદો પણ થાય છે, પરંતુ તેમનો ગુનોહ તેમના ફાયદા કરતા ઘણું જ વધારે છે, એવી જ રીતે તમને પુછે છે કે અલ્લાહના માર્ગમાં શું ખર્ચ કરીએ? તો તમે કહી દો કે તમારી જરૂરિયાતથી વધારાની વસ્તુ (ખર્ચ કરો). અલ્લાહ તઆલા આવી જ રીતે પોતાના આદેશો સ્પષ્ટ તમારા માટે બયાન કરી દે છે જેથી તમે વિચારી, સમજી શકો.