૨. શું લોકોને એ વાતથી આશ્ચર્ય થયું કે અમે તેમના માંથી એક વ્યક્તિ પર વહી ઉતારી કે દરેક લોકોને ડરાવે અને જે ઇમાન લઇ આવે તેમને આ ખુશખબર સંભળાવી દે કે તેમના પાલનહાર પાસે તેમને સંપૂર્ણ વળતર અને દરજ્જા મળશે. (આ વાત પર) કાફિરોએ કહ્યું કે આ વ્યક્તિ તો ખુલ્લો જાદુગર છે.
૩. તમારો પાલનહાર ખરેખર અલ્લાહ જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન છ દિવસમાં કર્યુ, પછી અર્શ પર બિરાજમાન થયો, તે જ સૃષ્ટિની વ્યવસ્થા કરે છે, તેની પરવાનગી વગર કોઈ તેની પાસે ભલામણ કરી શકતો નથી, આ ગુણોનો માલિક છે, તમારો પાલનહાર. તો તમે તેની જ ઇબાદત કરો, શું તો પણ તમે શિખામણ પ્રાપ્ત નથી કરતા?
૪. તમારા સૌને અલ્લાહની તરફ જ પાછા ફરવાનું છે, અલ્લાહએ સાચું વચન આપી રાખ્યું છે, નિ:શંક તે જ પ્રથમ વખત સર્જન કરે છે, પછી તે જ બીજી વખત પણ સર્જન કરશે, જેથી તે લોકોને ન્યાયપૂર્વક બદલો આપે, જે લોકો ઇમાન લાવ્યા અને સત્કાર્યો કરતા રહ્યા, અને જે લોકોએ કુફ્ર કર્યો તેમને ઉકળતું પાણી પીવા માટે મળશે, અને તેમના કુફ્રના કારણે દુ:ખદાયી અઝાબ થશે.
૫. તે તો (અલ્લાહ) છે, જેણે સૂર્યને ચમકતો બનાવ્યો અને ચંદ્રને પ્રકાશિત બનાવ્યો અને તેના માટે (વધઘટની) મંજિલો નક્કી કરી, જેથી તમે વર્ષોની ગણતરી અને હિસાબ જાણી લો, અલ્લાહ તઆલાએ આ વસ્તુઓનું સર્જન વ્યર્થ નથી કર્યું, તે આ નિશાનીઓ સ્પષ્ટ રીતે વર્ણન કરી રહ્યો છે, જે બુદ્ધિશાળી છે.
૬. નિ:શંક રાત અને દિવસનું એક પછી એક આવવામાં અને અલ્લાહ તઆલાએ જે કંઈ આકાશો અને ધરતીમાં સર્જન કર્યુ છે, તે દરેકમાં તે લોકો માટે નિશાનીઓ છે, જેઓ અલ્લાહનો ડર રાખે છે.